Internet Journal of Jain Literature
Jay Jinendra

જય જિનેન્દ્ર વેબસાઇટનો આછો પરિચય

સન ૨૦૦૨માં અમે એક ગુજરાતી માસિક શરૂ કર્યું હતું. તેને નામ આપ્યું જય જિનેન્દ્ર.

જય જિનેન્દ્ર એક અલગ જ પ્રકારનું માસિક હતું. જે કોઈની જીહજૂરી, પગચંપી કે ચાંપલાઈ કરવાના બદલે જૈન શાસનના ગંભીર પ્રશ્નોમાં રસ લેતું હતું.

અમે જય જિનેન્દ્ર સળંગ ત્રણ વરસ ચલાવ્યું. આ દરમ્યાન ઘણા ખાટા-મીઠા અનુભવો થયા. અમારૂં મેગેઝિન કોઈની પગચંપી કરવાની આદત ન ધરાવતું હોવાથી તે સમાજના એક વર્ગમાં ખૂબ જ લોકપ્રિય થયું. સાથોસાથ જૈન શાસનમાં કશુંક ખોટું થતું હોય તો જય જિનેન્દ્ર ચીસાચીસ કરી મૂકતું, તેથી તે અમુક વર્ગમાં અપ્રિય પણ થઈ પડ્યું. અનેક અવરોધો વચ્ચે પણ તેણે ત્રણ વરસ દરમ્યાન નિર્ભીકતાથી વ્હીસલ બ્લોઅરની ભૂમિકા નિભાવી.

સમય બદલાતો ચાલ્યો અને વિશ્વ એકદમ નાનું થવા માંડ્યું. બદલાતા સમય સાથે તાલ મિલાવવા અમે જય જિનેન્દ્રની પેપર એડિશન બંધ કરવાનું અને તેના બદલે વેબસાઇટ ડેવલપ કરવાનું નક્કી કર્યું. અમે અમારા તમામ સભ્યોને તેમના લવાજમનાં નાણાં પાછાં આપીને મેગેઝિન બંધ કર્યું. અમારા આ પગલાએ અમારી વિશ્વસનીયતાને ચાર ચાંદ લગાડી દીધા. મેગેઝિન બંધ કરનારા લોકો લવાજમના બાકી પૈસા લઈને ઘરભેગા થઈ જતા હતા. અમે એમ ન કર્યું.

આગળ જતાં અમે આ વેબસાઇટ બનાવી. આ પહેલાં અમને જૈન શાસન ડોટ કોમ ચલાવવાનો થોડો અનુભવ તો હતો જ. પરંતુ અમારૂં મેગેઝિન ચાહકોના હૈયે વસેલું હતું તેથી અમે સાઇટનું નામ પણ જય જિનેન્દ્ર જ રાખવાનું પસંદ કર્યું.

અમારી સાઇટનો વિકાસ પ્રમાણમાં ધીમો હતો કેમકે યૂનિકોડ સિસ્ટમનો વિકાસ હજી થવાનો બાકી હતો. તેથી અમે અમારા પોતાના ફોન્ટ વિકસાવીને થોડો સમય સાઇટ ચલાવી. પરંતુ ટેકનોલોજીની મર્યાદાના કારણે ગુજરાતી ફોન્ટ સિસ્ટમને બધા વેબ-બ્રાઉઝરનો સપોર્ટ મળતો નહોતો. તેથી અનેક વાચકોને સાઇટ જોવામાં તકલીફ પડતી હતી. આમ છતાં અમે અંગ્રેજી સામગ્રી આપવાનું તો ચાલુ જ રાખ્યું હતું. પરંતુ અમારા જૂના વાચકોનો આગ્રહ ગુજરાતી લખાણો માટે વધારે રહેતો હોવાથી અમે તે દિશામાં પ્રયત્નો કરતા રહ્યા.

દરમ્યાન નવાં વેબ-બ્રાઉઝર, નવી ટેકનોલોજી, નવી યૂનિકોડ સિસ્ટમનો વિકાસ થતાં અમે અમારી સાઇટને રૂપાંતિરત કરવાનું નક્કી કરી લીધું અને યૂનિકોડ બેઝ્ડ સાઇટનું ડેવલપમેન્ટ શરૂ કરી દીધું.

આજે જે સ્વરૂપે અમે આપની સામે છીએ તે અમારા માનવંતા વાચકો અને ચાહકોને જ આભારી છે.

આજે તો અમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણે ભાષાની સામગ્રી રજૂ કરીને અમારી વેબસાઇટને દળદાર બનાવી શક્યા છીએ.

ત્યારે પણ અમે વિચારશીલ જૈનોના વિચારશીલ અવાજને રજૂ કરતા હતા, આજે પણ અમે એમ જ કરીએ છીએ.

ખરૂં પૂછો તો આ સાઇટ સમર્પિત છે વિચારશીલ જૈનોને!

જય જિનેન્દ્ર!

— સંપાદકો, અમદાવાદ

Our Concerns
Other useful stuff