Internet Journal of Jain Literature
સૂચિત સરકારી જીવદયા એવોર્ડ એ શ્રમણ ભગવાન મહાવીરની ક્રૂર મજાક છે

આ જાહેરાતમાં ખુશ થવા જેવું કશું નથી

અહો વૈચિત્ર્યમ્! જીવહિંસા માટે પણ સરકારી એવોર્ડ અને જીવદયા માટે પણ સરકારી એવોર્ડ!

ગુજરાત સરકારે શ્રમણ ભગવાન મહાવીરના નામે જીવદયાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ કે સંસ્થાને દર વર્ષે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. પ્રથમ નજરે તો આ સમાચાર આનંદપ્રદ લાગે એવા છે પરંતુ હકીકતોના ઊંડાણમાં ઊતરીને આ એવોર્ડ સાથે અહિંસાના મહાઅવતાર ભગવાન મહાવીરનું નામ જોડવું કેટલે અંશે ઉચિત છે તે વિવેકપૂર્ણ રીતે વિચારવા જેવું છે.

Shraman Bhagvan Mahavir

આ અંગે મુનિ શ્રી મિત્રાનંદસાગરજી મહારાજે એક નિવેદન દ્વારા પોતાની તીવ્ર વ્યથા જાહેર કરી છે તે જય જિનેન્દ્ર દ્વારા અહીં રજૂ કરવામાં આવી છે. મુનિશ્રીનું નિવેદન અક્ષરશઃ નીચે મુજબ છે :

ગુજરાત સરકારે શ્રમણ ભગવાન મહાવીરના નામે જીવદયા એવોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે તેમાં ખુશ થવા જેવું કશું નથી અને આ સરકારી એવોર્ડ એ ભગવાન મહાવીરની ક્રૂર મજાક છે. ગુજરાતની સરકારને આવા એવોર્ડ માટે ભગવાન મહાવીરનું નામ વાપરવાનો કોઈ અધિકાર નથી.

જે સરકાર દ્વારા માણસોને કામ ચલાવ્યા વિના જ ગોળીએ દેવાતા હોય, જે સરકાર પોતે સેંકડો નાનાં-મોટાં કતલખાનાંઓનું સંચાલન કરતી હોય એ સરકારને જીવદયાના નામે ભગવાન મહાવીરનું નામ વટાવવાનો કોઈ અધિકાર મળતો નથી. આજે ગુજરાતમાં કાયદેસર(!) કહેવાય એવાં સેંકડો કતલખાનાં ધમધમે છે, જેમાં વરસે દિવસે લાખો મૂંગા જીવોની કત્લેઆમ કરવામાં આવે છે. આ નિર્દોષ જાનવરોની કાયદાના રક્ષણ હેઠળ થતી હિંસા અટકાવવી એ જ ભગવાન મહાવીરનો ખરો એવોર્ડ છે.

ગુજરાત સરકાર મત્સ્યોઘોગ નામનો આખો એક સ્વતંત્ર વિભાગ પણ ચલાવે છે અને આ ખાતાના પૂર્ણ સમયના મંત્રી પણ હોય છે. ૨૦૦૯-૨૦૧૦ના બજેટમાં ગુજરાત સરકારે ઓખા અને જાફરાબાદમાં મત્સ્યબંદર વિકસાવવાની જાહેરાત કરી છે અને તે માટે ગયા બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી પણ સરકારે કરી છે. ગુજરાત સરકારના પોતાના જ આંકડા કહે છે તેમ, ગુજરાતમાંથી દર વરસે એક હજાર બસો કરોડ રૂપિયાની માછલીની વિદેશોમાં નિકાસ થાય છે. આમાં સ્વદેશમાં સપ્લાય થતી માછલીઓનો સમાવેશ થતો નથી. આ માત્ર માછલીના એક્સ્પોર્ટના આંકડા છે. ગુજરાતની ધરતી ઉપરથી બે લાખ ચાલીસ હજાર મેટ્રિક ટનથી પણ વધારે માછલીઓની દર વરસે વિદેશોમાં નિકાસ થાય છે અને સરકારી લાઇસન્સ ધરાવનારા માછીમારો આમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. મતલબ કે માછલીની નિકાસ કરવાની આડકતરી સત્તા ગુજરાત સરકાર ધરાવે છે. સરકારી હિંસાના આ વ્યવસાયમાં રૂપિયા બે હજાર કરોડનું તો વાર્ષિક ટર્નઓવર છે.

સમગ્ર ભારતમાંથી પરદેશમાં માછલીઓની જે નિકાસ થાય છે તેમાં ત્રીજો હિસ્સો તો એકલા ગુજરાતનો જ છે! બીજા શબ્દોમાં કહીએ તો અંદાજે તેત્રીસ પોઇન્ટ તેત્રીસ ટકા માછલીની નિકાસ એકલા ગુજરાતમાંથી થાય છે અને એ ગુજરાત સરકારની નિગેહબાની નીચે થાય છે.

ગુજરાતમાં ઓખા અને જાફરાબાદ જેવાં બંદરો ઉપરાંત બીજાં નાનાં-મોટાં બેંતાલીસ બંદરો આવેલાં છે અને આ બધાં બંદરો સરકાર દ્વારા સમર્થિત માછીમારીનાં નાનાં-મોટાં કેન્દ્રો છે.

ગત વર્ષે ઉના તાલુકાના તાડ ગામે મત્સ્યોદ્યોગના વિકાસ માટે જમીન ફાળવવાની વાત આવી ત્યારે ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર સમગ્ર ગામના લોકોએ તેનો કચકચાવીને વિરોધ કર્યો હતો. એટલે સુધી કે સરકાર આ મામલે બળજબરી કરે તો લોક-આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

ગુજરાત સરકારે પંદર હજાર કરોડ રૂપિયા "સાગરખેડુ" નામ ધરાવતી યોજના માટે ફાળવ્યા છે. કહેવાની જરૂર નથી કે આ રકમ માછીમારીના વિકાસમાં જ વપરાવાની છે.

આઘાતની વાત તો એ છે કે માછલીના નિકાસમાં શ્રેષ્ઠ(!) યોગદાન આપનારાં કારખાનાંઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ આપવામાં આવે છે. જીવહિંસા માટે પણ સરકારી એવોર્ડ અને જીવદયા માટે પણ સરકારી એવોર્ડ! આ તે કેવી વિડંબના ગણાય! ગુજરાતની બહાર તો આવા વિરોધાભાસનો જોટો પણ મળવો મુશ્કેલ છે. વ્યંગમાં કહેવું હોય તો કહી શકાય કે વેશ્યાને પણ એવોર્ડ અને સતીને પણ એવોર્ડ!

આપણી સરકારોની દરેક પંચવર્ષીય યોજનાઓમાં મત્સ્યોઘોગના વિકાસ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરાતી હોય છે. આવી સરકારોના મુખમાં જીવદયા જેવા શબ્દો કેટલા અંશે શોભતા હશે એ શાંતચિત્તે વિચારવાની જરૂર છે.

માછીમારી સાથે સંકળાયેલા ગ્રામીણ આદિવાસીઓ માછીમારીનું કાર્ય સારી રીતે કરી શકે તે માટે ગુજરાત સરકાર સ્પેશિયલ સગવડો પૂરી પાડે છે, જેમાં "ફિશ હેન્ડલિંગ શેડ" સહિતની અનેક નાની-મોટી સુવિધાઓનો સમાવેશ થાય છે.

માછીમારી માટે ખાસ મહત્ત્વના એવા બીજ સંગ્રહ માટે એટલે કે "સિડિંગ રિકરિંગ પ્રોસેસ" માટે એક લાખ રૂપિયાના ખર્ચ સામે સરકાર દ્વારા પચાસ ટકા સબસિડી આપવામાં આવે છે.

આ બધી જાણકારીઓ તો માછીમારી કે મત્સ્યોદ્યોગને લગતી સત્તાવાર બાબતોનો એક નાનકડો અંશમાત્ર છે.

સાથોસાથ કતલખાનાંઓમાં મૂંગા પ્રાણીઓની સરકાર સમર્થિત હત્યાની વાત કરીએ તો સરકારી સત્તાવાર આંકડાઓ મુજબ ગયા વરસમાં ૨૩ હજાર ભેંસ, ૭૪ હજાર ઘેટાં, એક લાખ બત્રીસ હજાર બકરી, બે હજાર ભૂંડ અને એક કરોડ એકવીસ લાખ પાંચ હજાર મરઘીઓની કતલ થઈ હતી. આ તો સત્તાવાર સરકારી આંકડા છે. ગુજરાતના જીવદયાપ્રેમીઓની ધારણા મુજબ તો આ આંકડા છલનામાત્ર છે અને ખરો આંકડો આનાથી ઘણો મોટો હોઈ શકે છે. આમ છતાં આપણે સરકારી આંકડાને ગુડ ફેઇધ આપીએ તોય ગયા વરસે થયેલી કતલમાં હણાયેલા મૂંગા જીવોની સંખ્યા ૧,૨૩,૩૬,૦૦૦ જેટલી થાય છે એટલે કે વરસે દિવસે લગભગ સવા કરોડ જીવોની હત્યા ગુજરાતનાં સરકારી કતલખાનાંઓમાં થાય છે. યાદ રહે કે આ આંકડા ગુજરાત સરકારની પશુપાલન નિયામકની કચેરી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા છે.

આખી બાબતનો સાર એ છે કતલખાનાંઓ અને મત્સ્યોદ્યોગ વગેરેના વિકાસ અને સંવર્ધનમાં જોડાયેલી સરકાર જીવદયાનો એવોર્ડ ખાસ કરીને ભગવાન મહાવીરના નામને જોડીને કરે છે ત્યારે તે ભગવાન મહાવીરની ક્રૂર મજાક કરે છે.

સરકારના નેતાની ભૂરકીથી અંજાયેલા કેટલાક જૈનાચાર્યો અને જૈનો ફરી એકવાર સાવધાની નહીં રાખે તો આવનારા સમયમાં અનેક અનિચ્છનીય પ્રોજેક્ટોને ભગવાન મહાવીરના નામ સાથે જોડવામાં આવે એ દિવસ દૂર નહીં હોય.

અને આવા સરકારી એવોર્ડો મેળવવા માટે કોણ પાત્ર બને છે એ બાબત ભારતમાં ક્યાં કોઈથી છાની છે. આ એવોર્ડો તો "ઐસે વૈસે લોગોં કો કૈસે કૈસે' અને "કૈસે કૈસે લોગોં કો ઐસે વૈસે' બનાવવામાં માહેર હોય છે.

ગમે તેમ, પણ જૈન પ્રજા સરકારી સુગરકોટેડ લટૂડાં-પટૂડાંથી છેતરાયા વગર અને ટૂંકા ગાળાના વાણિજ્યિક લાભો જોયા વગર લાંબા ગાળાનું જૈનશાસનનું હિત વિચારે અને આ એવોર્ડને શ્રમણ ભગવાન મહાવીરના નામથી તત્કાલ મુક્ત કરાવવામાં પોતાનું યોગદાન આપે.

આ સંભવિત એવોર્ડ સ્વીકારનાર પણ શાંત ચિત્તે વિચાર કરે કે આમાં મળનારા એક લાખ રૂપિયામાં કરોડો પશુઓ અને કરોડો માછલીઓની હાયમાંથી આવેલા મહેકમનો પણ નાનો-મોટો હિસ્સો હશે જ ને. શું જીવદયાના નામે જીવહિંસાનો આ પૈસો લેવો આપને ગમશે? આવો એવોર્ડ સ્વીકાર્યા પછી ભગવાન મહાવીરની પૂજા કરવા જશો ત્યારે શું તમારો અંતરાત્મા તમને ડંખશે નહીં?

એવા ડંખની પીડાથી મુક્ત રહી શકતા હો તો તમે જરૂર એ એવોર્ડ સ્વીકારજો.

ખાસ ચોખવટ : આ નિવેદનમાં સ્વતંત્ર રીતે માછીમારી કરનારાઓ કે કતલખાનાં ચલાવનારાઓ સામે કોઈ અંગુલિનિર્દેશ નથી. માત્ર સરકાર સંચાલિત અને સમર્થિત માછીમારી અને કતલખાનાંનો નિર્દેશ છે.

— નિવેદક : મુનિ મિત્રાનંદસાગર, અમદાવાદ, ૮ જૂન, ૨૦૧૦

Our Concerns
Other useful stuff